આનંદનગર શાંગ્રિલા આર્કેડમાં દુકાન નંબર 14 ની પાછળ આવેલા એસીમાં એક યુવક ગેસ ભરવાનું કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ભડાકો થયો હતો, જેથી યુવકના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે આનંદનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડાના નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય અજય યાદવ એસી રિપેરિંગ તથા ગેસ ભરવાનું કામ કરે છે. ગુરુવારે બપોરે અજય યાદવ શાંગ્રિલા આર્કેડ પાછળ દુકાન નંબર 14ની પાછળ આવેલા એસીમાં ગેસ ભરવાનું કામ કરી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક જ કોમ્પ્રેસર બ્લાસ્ટ થતાં ભડકો થયો હતો, ધડાકા સાથે ફાટેલું કોમ્પ્રેસર એસી કારીગરના ચહેરા પર અથડાતાં ચહેરા તેમજ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. કારીગરની સાથે આવેલો બીજો કર્મચારી આગ બુઝાવી તેને બચાવવા દોડ્યો હતો. પરંતુ યુવક ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ધડાકાના અવાજને કારણે આસપાસની દુકાનોમાંથી લોકો ભેગા થઈ ગયા હતા. અંતે પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.
આનંદનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, બાદમાં અજયના મૃતદેહને પીએમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.