વિસનગરના તરભ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહા શિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચારધામનું પરિભ્રમણ કરીને આજે ડીસા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવતા શિવયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત થયું હતું.

વિસનગર તાલુકાના તરભ ખાતે તા.16 થી 22 ફેબ્રુઆરીના આશરે 900 વર્ષ પુરાણા મંદીરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ શિવયાત્રા આજે ડીસા ખાતે પહોંચતા રબારી સમાજ સહિત લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ પ.પૂ. મહંત જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જેના તાલે શિવધુન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તોએ મહા આરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન રામાધણી રબારી યુવક મંડળ દ્વારા રસ્તામાં શરબત પાણીની વ્યવસ્થા કરાઇ હતી.