છોટાઉદેપુર જિલ્લાના ૫૦૦૦ થી વધુ શિક્ષકોની સીપીઆર તાલીમનું આયોજન વડોદરા ખાતે થતા શિક્ષકોમાં રોષ

         છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક તેમજ માધ્યમિક ના ૫૦૦૦ થી વધુ શિક્ષકોની સી પી આર તાલીમનું આયોજન વડોદરા મુકામે રવિવારના રોજ રાખવામાં આવતા શિક્ષણ આલમમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 

            છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર, કંવાટ, છોટાઉદેપુર, બોડેલી, સંખેડા તેમજ નસવાડી મળી કુલ છ તાલુકાના ૪૦૪૦ જેટલા પ્રાથમિક શિક્ષકો હોય જેઓની રવિવાર ના રોજ સિપીઆર તાલીમનું આયોજન તંત્ર દ્વારા વડોદરાની વિવિધ મેડિકલ કોલેજોમાં રાખવામાં આવી છે. તેવીજ રીતે છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક વિભાગના ૧૧૫૨ જેટલા શિક્ષકોની સીપીઆર તાલીમનું આયોજન પણ વડોદરા મુકામે રાખવામાં આવેલ છે. ખરેખર છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોને રવિવારે રજાના દિવસે એક કલાકની તાલીમ લેવા માટે ૮૦ થી ૧૦૦ કિલોમીટર જેટલા દૂર વડોદરા મુકામે જવું પડશે જેના સ્થાને તંત્ર દ્વારા જિલ્લા મથકે અથવા તાલુકા વાઇસ આ તાલીમનું આયોજન કરવામાં આવે તો સમગ્ર શિક્ષકોને સાનુકૂળ રહેશે. 

          નાના બાળકોને પણ હાર્ટ એટેક આવી જાય છે ત્યારે તેઓને તાત્કાલિક મદદરૂપ થઈ શકે તે માટેની આ સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર ખૂબ જ આવકારદાયક છે પરંતુ આ તાલીમ તાલુકા સ્થળો ઉપર રાખવામાં આવે અથવા છોટાઉદેપુર જિલ્લા મથક ઉપર સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવે તેવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોની બુલંદ માંગ ઉઠી છે ત્યારે તંત્ર આ અંગે ઘટતું કરે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પાંચ હજારથી વધુ શિક્ષકો વડોદરા સુધી લાંબા થાય તેના કરતાં તાલીમ આપનાર અધિકારી કર્મચારી તાલુકા સ્થળ ઉપર અથવા જિલ્લા સ્થળ ઉપર આવી સીપીઆર તાલીમ આપે તેવું આયોજન થાય તેમ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો ઇચ્છી રહ્યા છે. 

          આમ, છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના ૫૧૯૨ જેટલા શિક્ષકોની સીપીઆરની તાલીમનું આયોજન રવિવારના રોજ વડોદરા મુકામે રાખેલ છે ત્યારે તંત્ર આ તાલીમ તાલુકા મથકો ઉપર અથવા જિલ્લા મથક ઉપર આયોજન કરે તેવી શિક્ષકો માંગ કરી રહ્યા છે.