સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ પ્રાદેશિક કમિશ્નરની કચેરીના પ્રતિનિધિઓ દ્વારા સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાની મુલાકાત લેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર- વઢવાણ - દુધરેજ નગરપાલિકા સેનીટેશન સ્ટાફ દ્વારા આજ રોજ નગરપાલિકા વિસ્તારની મેઈન બજારની સફાઈ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ કામગીરીમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ અમદાવાદ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાની કચેરીના પ્રતિનિધિઓ સહિતના જોડાઈને સ્વચ્છતા માટેનો સંદેશો પાઠવ્યો હતો.આ ઉપરાંત આ સફાઈ કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. નોંધનીય છે કે,’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હેરિટેજ બિલ્ડિંગ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, સમુદ્ર કિનારાની સફાઇ, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો સહિતના સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે તેમજ સફાઈ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં લોકો સહભાગી બની રહ્યા છે. નોંધનીય છે કે, સફાઈ અભિયાન અંતર્ગત થઈ રહેલ વિવિધ કાર્યક્રમો, પ્રવૃતિઓને સફળ બનાવવા માટે કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સ્વચ્છતા સમિતિ ચેરમેન હરેશભાઈ જાદવ, સેનેટરી ઇન્સ્પેકટર હીનાબેન રાઠવા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.