કાલોલ મોઢેશ્વરી મંદિર ખાતે ૧૮ માં પાટોત્સવ ઉજવણીના ઉપલક્ષમાં જ્ઞાતિજનો દ્વારા મંદિર પટાંગણમાં પ્રતિવર્ષની જેમ જ ચાલુ વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દશા મોઢ જ્ઞાતિના સમસ્ત માઇ ભકતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી મોઢેશ્વરી માતંગી મંદિર કાલોલની વ્યસ્થાપન સમિતિ દ્વારા ચાલુ વર્ષે એક નવતર અને અનુકરણીય પ્રયોગથી નવચંડી યજ્ઞના ભાગ્યશાળી યજમાનોની પસંદગી કરી હતી. આ અંતર્ગત દાતાઓના એક વિશાળ સમૂહ પૈકી લક્કી ડ્રો મારફતે ચાલુ વર્ષે ત્રણ દાતાઓ નિશીકાન્ત રમણલાલ શાહ, શૈલેષકુમાર કનૈયાલાલ શેઠ અને રેશ્માબેન અમિતકુમાર શાહને યજમાન પદનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે કાલોલ મોઢ જ્ઞાતિના માતાજીના કર્મઠ સેવક પ્રફુલભાઈ શાહના સાથે સહ ગાયિકા પ્રતીક્ષા દેસાઈ અને પિયુષ પરમારના સંગીતના ત્રિવેણી સંગમથી કંડારેલી માતંગી માતાજીની આરતીના પેન ડ્રાઇવનું શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે મોઢ જ્ઞાતિ પ્રમુખ નરેશભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
નવચંડી શ્રીફળ હોમ અને સમૂહ આરતી બાદ સમસ્ત માઇ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સને. ૨૦૦૬ માં આ જ દિવસે ભાવિક ભક્તોના સાથ સહકારથી કાલોલ મુકામે માતાજીના મંદિરનું નિર્માણ થયા બાદ માતંગી માતાજીની પૂર્ણ સ્વરૂપની પ્રતિમામાં વિધી વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.