સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં રહેતા શખ્સની કેન્સરની સારવાર માટે પરિવારજનોએ રૂા.2.5 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં મકાનનું લખાણ કરી આપ્યું હતુ. ત્યારે આ મામલે કોર્ટ દ્વારા વ્યાજે રૂપિયા આપનાર મહિલા વિરૂદ્ધ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવા હુકમ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જોરાવરનગર વિસ્તારમાં રાજેન્દ્રસિંહ અગરસિંહ રાણાની માલિકીનું મકાન તેઓને કેન્સરની બિમારી થતાં પત્ની ઉમાબા અને પુત્ર ધર્મેન્દ્રસિંહએ સુરેન્દ્રનગર શક્તિ માતાના મંદિર પાસે રહેતા પ્રકાશબા પ્રવિણસિંહ વાઘેલાને વેચાણ આપવાનું નક્કી કરી તેમની પાસેથી રૂા.2.5 લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા અને તેના બદલામાં મકાન રૂા.3 લાખમા વેચાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં રૂા.2.5 લાખ પ્રકાશબા દ્વારા રોકડા આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂા.50 હજાર 24 માસમાં ચૂકવી દસ્તાવેજ કરાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દસ્તાવેજ કરાવવા માટે નોટીસ આપવા છતાં કોઇ કાર્યવાહી કરી ન હતી અને મિલકતનો કબજો લેવા માટે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો.જેને લઇને કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશબા વાઘેલા દ્વારા ગેરકાયદેસર રીતે રૂા.2.5 લાખ પાંચ ટકા વ્યાજે આપ્યા હોવાનુ કોર્ટના ધ્યાને આવતા કોર્ટ દ્વારા પ્રકાશબા પ્રવિણસિંહ વાઘેલા વિરૂધ્ધ ગેરકાયદેસર નાણાં ધીરધાર કરવા અંગે ગુનો નોંધવા હુકમ કરતા સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.