ડીસા બનાસ નદી પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવાયેલો ત્રીજો બ્રિજ વાહનોની અવરજવરના ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બનાસ નદી પર ત્રીજો નવો બ્રિજ બનતા બંને બ્રિજ ઉપર વાહનોના ભારે અવરજવરના કારણે થતા ટ્રાફિકનું ભારણ ઘટશે.
ગુજરાતના સૌથી વ્યસ્ત રહેતા કંડલા દિલ્હી નેશનલ હાઈવે નંબર 27 પર ડીસા નજીક બનાસ નદી પર 1957 માં પ્રથમ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2002 માં અટલ બિહારી બાજપાઈની એનડીએ સરકાર વખતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી અને પોરબંદરથી સીલ્ચર સુધી ગોલ્ડન કોરીડોર બનાવાતા ડીસા નેશનલ હાઈવે પણ ગોલ્ડન કોરીડોરનો ભાગ બનતા બનાસ નદી પર નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.
જેથી ફોરલેન રસ્તાના કારણે બંને ઓવરબ્રિજ પર વાહનોની અવરજવર થતી હોવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ ગઈ હતી. જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી બનાસ નદી પરનો જુનો ઓવરબ્રિજ જર્જરીત થતાં તેને ભારે વાહનોના અવરજવર માટે પ્રતિબંધિત કરી દેવાયો હતો.
જેના કારણે એક જ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર થતી હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.જેથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાસ નદી પર ત્રીજા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે બ્રિજ બનીને તૈયાર થઈ જતા તેને ટેસ્ટિંગ માટે વાહનોની અવર-જવર માટે ખુલ્લો મૂકી દેવાયો છે.
હાઇવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ આ ટેસ્ટિંગ માટે બ્રિજ ખુલ્લો મુકાયો છે. જેનું વિધિવત ઉદ્ઘાટન કરી પ્રજા માટે કાયમી ખુલ્લો મુકવામાં આવશે. ત્યારબાદ જૂના બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે.