ડીસા હોમગાર્ડઝ કચેરી દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે મંગળવારે પ્રભાત ફેરી યોજાઇ હતી. જેમાં શહેરમાં આવેલા મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કર્યા બાદ તેને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ હોમગાર્ડઝ યુનિટે લોકોની સુરક્ષા સાથે સાથે લોકસેવા માટે હંમેશા તૈયાર રહેવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

ડીસા હોમગાર્ડઝ કચેરી દ્વારા ડીવાયએસપી અને ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ એમ.બી. વ્યાસની સૂચના મુજબ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા.3થી 6 સુધી ડીસા હોમગાર્ડઝ કચેરી ખાતે પરેડ તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે સવારે ઓફિસર કમાન્ડિંગ એસ.કે. પંડ્યા આગેવાની હેઠળ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતેથી પ્રભાતફેરી યોજવામાં આવી હતી. આ પ્રભાતફેરી ડીસા કચેરીથી નીકળી ગાંધીજીની પ્રતિમા, ફુવારા સર્કલ, બગીચા સર્કલ, આંબેડકર પ્રતિમા વગેરે મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ કરી ફુલહાર કરી પ્રભાતફેરી કચેરી ખાતે સમાપન કરાઇ હતી.