ડીસા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતાં ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો અને અનેકવાર આ રખડતાં ઢોરોના લીધે રાહદારીઓ તેમજ વાહનચાલકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ ઉપરાંત કેટલાંક લોકોના મોત પણ નિપજ્યા છે. ત્યારે તાજેતરમાં નગરપાલિકાના પ્રમુખની સુચનાથી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપી શહેરમાં રખડતાં ઢોરોને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં 12 દિવસમાં 106 થી વધુ પશુઓને પકડી પાંજરાપોળમાં ધકેલાયા છે.
ડીસાના નગરજનો માટે શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઇ હતી અને આ સમસ્યાથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા હતા. ત્યારે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઇ દવે દ્વારા આ સમસ્યાને હલ કરવા માટે પ્રથમ તમામ પશુ માલિકોને જાહેર નોટીસ દ્વારા સૂચના આપી પોતાના પશુઓને છુટા રખડતાં ન મૂકવા અપિલ કરવામાં આવી હતી.
જો કે, તેમ છતાં પણ કેટલાંક પશુ માલિકો પોતાના પશુઓને બજારમાં રખડતાં મૂકતાં હોવાથી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપી શહેરમાં રખડતાં પશુઓને પકડવાનું અભિયાન શરૂ કરાયું હતું અને અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા શહેરના ફૂવારા સર્કલ, બગીચા સર્કલ, કચ્છી કોલોની, પશુ બજાર, ચંદ્રલોક રોડ, રેલ્વે સ્ટેશન રોડ, સાર્થક બંગ્લોઝ, શ્યામ બંગ્લોઝ સહીતના વિસ્તારોમાં 82 આખલા અને 12 ગાયો મળી કુલ 106 ને પકડી કાંટ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ પાંજરાપોળમાં પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે અને જે માલિકોના પશુઓ છે તેમની પાસેથી દંડ વસૂલ કરી બીજીવાર પશુઓ રખડતાં ન મૂકવાની સૂચના આપવામાં આવશે અને જો કોઇ પશુ બીજીવાર પકડાય તો તેના માલિક સામે ફરિયાદ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.