ડીસા તાલુકા પંચાયત તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક વિવાદ બાદ 2.16 કરોડના ખર્ચે તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ બનતા જૂના જર્જરિત બિલ્ડીંગ તોડવાની કામગીરી શરૂ થઈ છે.
ડીસામાં હાલની તાલુકા પંચાયત કચેરી જર્જરિત હોવાથી તાલુકા પંચાયત કચેરીના નવીન ભવન માટે રૂ.2.16 કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. તે માટે ડીસાના ન્યુ ટીસીડી ફાર્મ મેદાન પૈકીની સરકારી જગ્યા નક્કી કરાઈ હતી. પરંતુ તાલુકા પંચાયતના સભ્યો સહિતના લોકોએ વિરોધ દર્શાવતા જૂની તાલુકા પંચાયત કચેરી જે જગ્યાએ છે તે જ જગ્યાએ નવું બિલ્ડીંગ બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ હવે તાલુકા પંચાયત કચેરીના નવીન બિલ્ડીંગનું કામકાજ શરૂ થતા જૂની બિલ્ડીંગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સરકાર દ્વારા ડીસા તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગ માટે રૂ. 2.16 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને તેનો કોન્ટ્રાક્ટ પી. પ્રફુલચંદ્ર એન્ડ કંપનીને સોંપ્યો છે. ત્યારે નવીન બની રહેલુ તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડીંગ અત્યાધુનિક અને સુવિધા સફર બને તે માટેનું આયોજન કરાયું છે. 15 ઓગસ્ટ 2023 સુધીમાં આ નવી તાલુકા પંચાયત કચેરી નિર્માણ પામી તૈયાર થઈ જશે.