ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા ડીસામાં ભારત વિકાસ પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્યએ ડીસા શહેરના ભવિષ્યની રૂપરેખા અંગે વાત કરતા શહેરને ડસ્ટ ફ્રી, ખુલ્લી ગટર ફ્રી અને હરિયાળો બનાવવાની વાત કરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ડીસા શહેરને પણ દીપકથી સજાવવા માટે લોકોને આહવાન કર્યું હતું.

ડીસામાં ભારત વિકાસ પરિષદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ભારત વિકાસ પરિષદના સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડીસા શહેરના વિકાસ માટેના ભવિષ્યમાં આયોજન અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ડીસા શહેરને ડસ્ટ ફ્રી બનાવવા માટે ડોર ટુ ડોર કચરાની કામગીરીમાં સુધારો કરી શહેરમાં દર 10 મીટરે ડસ્ટબીન મૂકવામાં આવશે. જ્યારે ભૂગર્ભ ગટર યુક્ત શહેર બનાવી આ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરી પીવાના પાણી તરીકે ઉપયોગ લેવાનો પણ આયોજન કરવામાં આવ્યું છે.

ડમ્પીંગ સાઈટ પર રિવર્સ સિસ્ટમ તૈયાર કરી 10 એકમમાં ફરવા લાયક ગાર્ડન બનાવવામાં પણ આયોજન કર્યું છે. આ સિવાય શહેરમાં સુશોભન માટે એલિવેટેડ બ્રિજ નીચેના પીલ્લરના પેઇન્ટિંગ માટે સેવાભાવી સંસ્થાઓને એક એક પીલ્લર દત્તક લેવા માટે અપીલ કરવામાં આવી હતી. તો મહાદેવિયા ગામ પાસે 10,000 થી પણ વધુ વૃક્ષારોપણ કરી સેલ્ફી પોઇન્ટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. આ સિવાય અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ડીસા શહેરમાં દરેક ઘરે દિપક પ્રગટાવી શહેરને રોશનીથી ઝળહળતું કરવા માટે પણ ધારાસભ્યએ આહવાન કર્યું હતું.