ત્રણ રાજ્યમાં ભાજપે બાજી મારતા બનાસકાંઠાના ડીસામાં પણ ભાજપ કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે અને આજે જયઘોષના નારા લગાવી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો.
તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપે બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે બાજી મારતા બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. ત્યારે આજે ડીસામાં સાંઈબાબા મંદિર આગળ ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડીયા સહિત ભાજપના નગરસેવકો અને કાર્યકર્તાઓએ જયઘોષના નારા લગાવી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
આ અંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, 2014થી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર આવી છે ત્યારથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. છેવાડાના માનવી સુધી રસ્તો, પાણી, ગેસ, વીજળી તમામ વિકાસની સુવિધાઓ પહોંચતા લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ આજે ત્રણ રાજ્યોમાં ભાજપ પર લોકોએ વિશ્વાસ મૂકી બહુમતી આપી છે.