કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં 15મી નવેમ્બરથી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાના બળોલ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,ઉજ્જવલા યોજના, કિસાન સન્માનનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના સહિતની યોજનાઓનો લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જિલ્લાના વિવિધ ગામોમાં સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી પહોંચાડવામાં આવશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણા અહિતના મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.