સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે શહેરના ટાવર પાસે આવેલ ખાટકીવાડ વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાં દેશી દારૂની મહેફીલ માણતા 11 જેટલા શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડયાં હતાં અને મહિલા સહિત 12 શખ્સો સામે એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.શહેરના ટાવર પાસે આવેલ ખાટકીવાડ વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂનું વેચાણ તેમજ દારૂ પીવાની સગવડતાઓ પુરી પાડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પોલીસ ટીમે ટાવર પાસે આવેલ ખાટકીવાડ વિસ્તારમાં બાતમીના આધારે ચેકીંગ તેમજ રેઈડ કરી હતી. જે દરમિયાન મહિલા શેરબાનુબેન પારડી હાજર મળી આવ્યા નહોતા પરંતુ અન્ય મહિલા શરીફાબને ગફુરભાઈ વિડાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે બહારથી માણસો બોલાવી દારૂની મહેફીલ માણવાની સુવિધાઓ પુરી પાડતા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ સ્થળ પરથી દેશી દારૂ 5 લીટર, મોબાઈલ ફોન નંગ-6, રોકડ રકમ સહિત અંદાજે રૂા.34,130નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.તેમજ સ્થળ પરથી મહિલા શરીફાબેન વિડા સહિત 12 શખ્સોને દેશી દારૂની મહેફીલ માણતા ઝડપી પાડયા હતા અને એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથકથી નજીકના અંતરમાં જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં સ્થાનીક પોલીસની બેદરકારી અને ગેરરીતી સામે આવી હતી. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂ વેચાતો હોવા છતાં એ-ડિવીઝન પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથધરવામાં આવી નહોતી. ત્યારે એલસીબી પોલીસે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રેઈડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતાં.