કોડીનારમાં અઢી, સાવરકુંડલામાં બે ઇંચ વરસાદ : વેરાવળ, લોધિકા, જામકંડોરણા, ખંભાળીયા, ભેંસાણ, વંથલી, રસનાળમાં વધુ એકથી દોઢ ઇંચ પાણી વરસ્યું સૌરાષ્ટ્રમાં મેઘસવારી ચાલુ રહેવા પામી છે અને છેલ્લા ર4 કલાક દરમ્યાન જુદા જુદા જિલ્લાઓમાં 1 થી 3.5 ઇંચ સુધીનો વરસાદ પડયો છે. સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 1.5 થી 3.5 ઇંચ વરસાદ પડયો છે. પોરબંદર શહેરમાં ધોધમાર 3.5 ઇંચ અને કુતિયાણા તથા રાણાવાવમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડવા પામ્યો હતો. તથા ગીર સોમનાથનાં કોડીનારમાં 2.5 ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ અને વેરાવળ ખાતે 1.5 ઈંચ વરસાદ પડયો હતો. તથા અમરેલીનાં સાવરકુંડલામાં 2, રાજકોટનાં લોધીકામાં 1.5 ઇંચ અને જામકંડોરણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે દ્વારકાનાં ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળીયામાં એક એક ઇંચ જુનાગઢનાં ભેંસાણ, વંથલી અને મેંદરડામાં એક એક ઇંચ તથા બોટાદ શહેરમાં 1 અને બોટાદનાં રસનાળ પંથકમાં 1 ઇંચ વરસાદ પડયો હતો. દરમ્યાન ઢસાથી મળતા અહેવાલો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા સ્વ. તાલુકાના રસનાળ ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલ અવિરત વરસાદથી જનજીવન ઠપ્પ થઇ ગયેલ હોય ધોધમાર વરસાદના લીધે ઉપરવાસમાં વરસી રહેલ વરસાદના પાણીથી રસનાળ ગામે આવેલ સુકઓ નદીના ચેકડેમ ઓવરફલો થઇ ગયેલ હોય અને સુકાઓ નદી પર આવેલ પુલ વરસાદના પાણીના લીધે પુલનું ધોવાણ થઇ ગયેલ અને પુલ તુટી ગયેલ હોય તેથી પુલ પરથી પસાર થતા વાહન ચાલક રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ પુલ પરથી રસનાળ ગામના વાહન ચાલક રાહદારીઓ તેમજ પાડાપાણ ગામના વાહન ચાલક રાહદારીઓ તેમજ જુનવદર ગામના તેમજ સીતાપર ગામના તેમજ અન્ય પંચાળમાં જવાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેથી વેલી તકે આ સુકવો નદીનો પુલ નવો બનાવવામાં આવે તેવી રાહદારીઓની વાહન ચાલકોની માંગ ઉઠી છે. તથા વડિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના 2 વાગ્યા થી 4, વાગ્યા સુધી બે કલાકમાં જ ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું જેમાં વડિયા શહેરમાં 48 મીમી વરસાદ મામલતદાર ફલ્ડ કંટ્રોલ ખાતે નોંધાયો હતો જ્યારે વડિયા સીમ વિસ્તારમાં આવેલ સુરવો ડેમ પર બે કલાકમાં 24 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જોકે ખેડૂતો માટે કાચું સોનું વરસ્યું હોય તેમ સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા હતાવડિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. વરસાદ બાટવા દેવળી ગામે ખેતરોમાં નદીની માફક વહેતા થયા પાણીખેડૂતોના અનુમાન મુજબ એક કલાકમાં અંદાજીત 3 ઇંચ ઉપર વરસી ગયો વરસાદ બાટવાદેવળી સરપંચના જણાવ્યા અનુસાર દોઢેક કલાકમાં 4 ઇંચથી વધુ ખાબકતા બાટવા દેવળી ગામની નદી થઈ ગાંડીતુર થઇ હતી. જયારે કોડીનાર પંથકમાં બપોરે ત્રણ વાગ્યા પછી ધોધમાર વરસાદ પડવો ચાલુ થયેલ જે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. મોસમનો કુલ 1070 મી.મી. વરસાદ નોંધાયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તથા જંગલ વિસ્તારમાં પણ વરસાદને કારણે શિંગોડા ડેમમાં પાણીની આવક વધતા ઓગષ્ટ માસનું રૂલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો અર્ધો ફુટ ખોલવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણી ગત રાત્રે મેઘરાજાનો પુન: મુકામ રહ્યો હતો. ગઈકાલે મંગળવારે રાત્રે દસેક વાગ્યાથી ભાણવડ પંથકમાં ભારે ઝાપટા રૂપે એક ઈંચ (27 મીલીમીટર) પાણી પડી ગયું હતું. આ જ રીતે ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકામાં પણ મોડી રાત્રે એક-એક ઇંચ વરસાદ પડી ગયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં સાડા 39 ઈંચ (983 મી.મી.), દ્વારકા તાલુકામાં 28 ઈંચ (692 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં સાડા 27 ઈંચ (681 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 18 ઈંચ (443 મી.મી.) નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા વરસી ગયો છે. તેમજ છેલ્લા ત્રણ દિવસથી સોરઠની ધરતીને મેઘરાજા ભીંજવી રહ્યા છે ઉછરેલી મૌલાત ઉપર ખાસ કરીને મગફળીના પાકમાં ર4 દિવસ બાદ ફુલ ઉઘાડ બાદ 30 દિવસે આંગા બેસવાના સમયે સમયસર મેઘરાજાની એન્ટ્રી થતા જગતનો તાત ખુશખુશાલ થઇ જવા પામ્યો છે. ગઇકાલે બપોરના 1ર કલાકેથી મેઘસવારી આવી હતી. જુનાગઢમાં રાત્રીના 8 સુધીમાં પોણો ઇંચ કેશોદમાં પોણો ઇંચ, ભેંસાણ એક ઇંચ, મેંદરડા એક ઇંચ, માંગરોળ 4 મીમી, માણાવદર એક ઇંચ, માળીયા અર્ધો ઇંચ, વંથલી સવા ઇંચ અને વિસાવદર પોણો ઇંચ વરસાદ સોરઠ જિલ્લામાં રાત્રીના 8 દરમ્યાન નોંધાયા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. આજે સવારના ભારે બફારા સાથે ઘટાટોપ કાળા વાદળો સાથે આકાશ છવાઇ જવા પામ્યુ છે બપોરના ફરી મેઘરાજાનું આગમન થશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તથા જામજોધપુરમાં પણ ગઇકાલે એક ઇંચ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે જેટલો વરસાદ પડયો હતો. ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાન કરાયા ગુજરાત રાજ્ય નર્મદા જળ સંશાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સંદેશા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઇ ગયો છે તેમજ 0.01 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી ઉક્ત જળાશયની જળસપાટી ધ્યાને લઇ ત્રિવેણી ઠાંગા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા(રાજ), ખાટડી, ડાકવડલા, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામનાં લોકોને બંધની નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર ન કરવા અને માલ-મિલકત, માલઢોરને સલામત સ્થળે લઈ જવા વિનંતી 

વિપુલ મકવાણા