લીંબડી-અંકેવાળિયા રોડ નજીક ભલગામડા ગામની સીમમાં યોજાનારી રામકથા માટે ભુમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકથાનું મોરારિબાપુ વાંચન કરશે કથા સાથે સંત સંમેલન અને નવનિર્મિત લીંબડી મોટા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ લીંબડી મોટા મંદિર દ્વારા લીંબડી-વઢવાણ સ્ટેટ હાઈ-વે નજીક આવેલી ભલગામડા ગામની સીમમાં આગામી 3થી 12 ફેબ્રુઆરી સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુ રામકથાનું વાંચન કરશે. કથામાં લાખો શ્રોતાઓ આવશે તેવો આશાવાદ છે.મોટા મંદિરના મહંત લલિતકિશોરચરણજીએ રામકથાના સ્થળે ભૂમિપુજન કર્યુ હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા(ભાણુભા), તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નીરૂભા રાણા, ઉત્પલભાઈ શાહ, બિપીનભાઈ ખાંદલા, વી.જી.રાણા,હરજીભાઈ સહિતના સ્વયં સેવકો દ્વારા કથા સમયે રસ્તા, વીજળી, પાર્કિંગ, પાણી, સ્વચ્છતા સહિત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજન કરાયુ હતું. આ પ્રસંગે મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુએ જણાવ્યું હતું કે 10 દિવસ ચાલનારી રામકથામાં રોજ એકથી દોઢ લાખ લોકો આવશે. સાથે જ ચત્રભુજનારાયણ દેવના જિર્ણોધ્ધાર કરાયેલા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.