ડીસા માર્કેટયાર્ડમાં ફરીથી ત્રણ દિવસનું મીની વેકેશન, રાજસ્થાન ચૂંટણી, રવિવાર અને કાર્તિકી પૂર્ણિમાને લઈ માર્કેટયાર્ડ બંધ રહેશે..

દિવાળીના તહેવારોમાં એક સપ્તાહ ઉપરાંતની રજા બાદ ખૂલેલા ડીસા માર્કેટયાર્ડમાં ફરીથી ત્રણ દિવસનું મીની વેકેશન આવી રહ્યું છે. રાજસ્થાન ચૂંટણી, રવિવાર તેમજ કાર્તિકી પૂર્ણિમાને લઈ ડીસા માર્કેટયાર્ડ સળંગ ત્રણ દિવસ બંધ રહેશે.

તારીખ 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં કામ કરતા મોટા ભાગના તોલાટ અને હમાલ ભાઈઓ રાજસ્થાનના વતની છે. જ્યારે ડીસા માર્કેટયાર્ડમાં મારવાડી વેપારીઓની પણ અનેક પેઢીઓ આવેલી છે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મતદાન કરવા જઈ શકે તે માટે ડીસા માર્કેટયાર્ડમાં તારીખ 25 નવેમ્બરે રજા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત બીજા દિવસે રવિવાર તેમજ સોમવારે કાર્તિકી પૂર્ણિમા હોવાથી માર્કેટયાર્ડમાં સળંગ ત્રણ દિવસનું મીની વેકેશન જાહેર કરાયું છે. આમ દિવાળી વેકેશનમાં એક સપ્તાહની ઉપરાંતની રજાઓ બાદ ખુલેલા ડીસા માર્કેટયાર્ડમાં ફરીથી ત્રણ દિવસનું મીની વેકેશન આવ્યું છે.