દાંતા તાલુકાના અભાપુરા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત વંચિત લાભાર્થીઓને લાભ અપાયા..

ગ્રામજનોએ પ્રજાલક્ષી યોજનાઓ - કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી..

સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થયેલા લાભાર્થીઓ અને ગ્રામજનોએ સરકારનો માન્યો આભાર..

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં તા. ૧૫ મી નવેમ્બરથી ફરી રહ્યો છે. 

જેના ભાગરૂપે દાંતા તાલુકાના ૫૮ આદિજાતિ બાહુલ્ય ધરાવતા ગામોમાં સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર અને યોજનાના લાભથી વંચિત લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે. 

૨૩ મી નવેમ્બરના રોજ દાંતા તાલુકાના અભાપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી, kyc અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. 

આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

આ યાત્રામા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહારનું સ્ટોલ નિદર્શન કરવામા આવ્યુ હતુ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે ટી.બી સ્ક્રિનીંગ, સિકલસેલનું સ્ક્રિનીંગ પણ હાથ ધરાયુ હતુ. સરકારી યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ 'મેરી કહાની મેરી જુબાની' થીમ હેઠળ પોતાની સફળવાર્તાઓ રજૂ કરી સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે અભાપુરા ગામના સરપંચશ્રી તલાટીશ્રી અને ગ્રામજનો સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને આગેવાનોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને પ્રેરણા પુરી પાડી હતી.