(રાહુલ પ્રજાપતિ)
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ખેડૂતોએ રવિ સીઝનના વાવેતરની તૈયારીઓ આરંભી દઈને કેટલાક ખેડૂતોએ તો ઘઉં, ચણા, બટાકા, રાયડો સહીતના અન્યના પાકોનું વાવેતર કરી દીધું છે ત્યારે જિલ્લાના સિંચાઈ વિભાગ ધ્વારા શિયાળુ પાકને સમયસર પિયત મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરીને રવિવારથી હાથમતી કેનાલના ત્રણ ઝોનમાં પાણી છોડયું છે. જેથી ખેડૂતોને ફાયદો થશે.
આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી ડી.કે. પટેલના જણાવાયા મુજબ ગત ચોમાસામાં ઓછા વરસાદને લઈને હાથમતી જળાશયમાં લગભગ ૬૦ ટકા પાણી ભરાયું છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરકાંઠા, ગાંધીનગર તાલુકામાં હાથમતી કેનાલ નજીક આવેલા ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી મળી શકશે. એ અંદાજ મુજબ સિંચાઈ વિભાગના અ, બ અને ક ઝોનમાં છોડાયેલા પાણીને કારણે લગભગ બે હજારથી વધુ ખેડૂતોને કેનાલના પાણીનો લાભ મળવાની શક્યતા છે.
હાથમતી કેનાલમાં રવિ સીઝન દરમ્યાન જે પાંચ પાણી આપવાના છે તે માટેનો સમયગાળો લગભગ ૧ર૧ દિવસનો રહેશે. કેનાલ થકી ૧૮૦૦ મીલીયન ઘનફૂટ પાણી વપરાશે. આ પાણી હાથમતી જળાશયથી ૪પ કિમી દુર આવેલ હિંમતનગરના વિયરમાં થઈને કેનાલમાં વહેવડાશે. જોકે બ અને ક ઝોનના ર૧૦૦ ખેડૂતો માટે રવિવારે સાંજના સુમારે પાણી છોડવામાં આવ્યું હતુ. ૭૪ ગામના લગભગ બે હજારથી વધુ ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ ધ્વારા ર૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
સિંચાઈ વિભાગ ધ્વારા જે પાંચ પાણી આપવામાં આવનાર છે તેમાં પ્રથમ પાણી ર૦ દિવસ સુધી કેનાલમાં વહેશે. ત્યારબાદ ૧પ દિવસના અંતરે પાણી છોડવામાં આવશે. છેલ્લુ પાણી તા. ૧ માર્ચ ર૦ર૪ના દિવસે છોડાયા બાદ કેનાલમાં વહેતું પાણી બંધ કરી દેવામાં આવશે. આમ પાંચ પાણીમાં ૧૮૦૦ મિલીયન ઘનફૂટ પાણીનો વપરાશ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષો કરતા આ વર્ષે હાથમતી નદીના કેચમેન્ટ એરીયામાં ઓછો વરસાદ થવાને કારણે જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ થયો નથી.