હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન બેસતા વર્ષના દિવસે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બન્યો હતો. જે દરમિયાન જીઆઈડીસી પાછળ કોયબા નજીક કેનાલના વોકળામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી. આ બનાવને પગલે હળવદના ઇન્ચાર્જ પી.આઈ ડી.એમ.ઢોલ સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી જઇ યુવાનના શરીર પર ગળાના ભાગે અને માથાના ભાગે ઇજા નિશાન હોય જેથી યુવાનની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી. પોલીસ દ્રારા યુવાનના મૃતદેહને ફોરોન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએમ કરાવ્યા બાદ આજે તેની અંતિમવિધિ હળવદ ખાતે કરવામાં આવશે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કામ કરનાર અજિત ઉર્ફે અજો દેવસીભાઈ સિરોયા (ઉ.વ.21) નામનો યુવાન ગત તા.14ના રોજ ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો.બાદમાં આ યુવાન ઘરે પરત ફર્યો ન હતો.દરમિયાન ગઇકાલે રવિવારે બપોરના કોયબા ગામ નજીક કેનાલ પાસેના વોકળામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસ મથકનો સ્ટાફ અહીં દોડી ગયો હતો.