ડીસામાં રખડતા પશુઓની સમસ્યા માંથી મુક્તિ માટે કાર્યવાહી શરૂ, પાલિકા પ્રમુખ સહિત વિવિઘ ટીમોએ પ્રથમ દિવસે 10 પશુઓ પકડ્યા..
બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકા હવે રખડતા પશુઓની સમસ્યાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે.. નગરપાલિકા પ્રમુખ સહિતની ટીમોએ મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારમાંથી 10 જેટલા રખડતા પશુઓને પકડી કાંટ પાંજરાપોળ ખાતે મોકલી આપતા પશુઓના માલકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ડીસા પંથકમાં જ છેલ્લા એક વર્ષમાં રખડતા પશુઓના કારણે દસથી પણ વધુ અકસ્માતો સર્જાયા છે. ત્યારે હવે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ ડીસાવાસીઓને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્ત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે.
ડીસામાં છેલ્લા દોઢ વર્ષથી રખડતા પશુઓ પકડવા માટે કોઈ જ એજન્સી તૈયાર ન હતી, પરંતુ હવે નગરપાલિકાના પ્રમુખે ભર જહેમત ઉઠાવી નેલ્સનભાઈ દેસાઈની ટીમને તૈયાર કરી રખડતા પશુઓ પકડવા માટે તેમની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ગઈકાલે રાત્રે જ આ એજન્સીની ટીમ, નગરપાલિકા પ્રમુખ, નગર સેવકો સહિતની ટીમોએ રખડતા પશુઓને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી. બે કલાક સુધી અલગ અલગ વિસ્તારમાંથી 10 જેટલા પશુઓને પકડી પાડવામાં આવ્યા હતા. રખડતા પશુઓ પકડાતા જ તેના માલિકોએ આવી પશુઓને છોડાવવા માટે ભારે હંગામો મચાવ્યો હતો. જો કે નગરપાલિકાએ તમામ પશુઓને પકડી કાંટ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.