ધાનેરામાં મામા બાપજી મંદિર પાસે રવિવારે મોડી સાંજના સમયે એક ડમ્પરની સાઇડનો લોખંડનો આંકડો બાઇક ઉપર બેઠેલ મહિલાને પાછળના ભાગે ઘૂસી જતા મહિલા અને બાઈક સવાર પતિ નીચે પટકાયા હતા.ઇજાગ્રસ્ત પતિ-પત્નીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લાવ્યા પહેલા રસ્તામાં જ મહિલાનું મોત થયું હતું.

અમદાવાદના વિનોબાભાવે નગર,વટવામાં રહેતા મોનાજી રાયાચંદજી બારોટ તથા તેમની પત્ની અરુણાબેન બારોટ થરાદ તાલુકાના લવાણા ગામે રવિવારે માતાજીના દર્શન અર્થે આવ્યા હતા. દર્શન કરી પતિ-પત્ની બાઈક ઉપર ધાનેરાથી ડીસા તરફ જઇ રહ્યા હતા ત્યારે મામા બાપજી મંદિર પાસે પાછળથી એક ડમ્પર ચાલક પૂરઝડપે આવ્યો હતો અને ડમ્પરની સાઈડમાં રહેલો આંકડો બાઇક પાછળ બેઠેલા અરુણાબેન બારોટના પીઠના ભાગે ઘૂસી જતાં બન્ને બાઇક સહિત નીચે પટકાયા હતા. આ ડમ્પર ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો.

ઘટનાસ્થળે લોકો એકઠા થયા હતા અને 108 ને ફોન કરતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને ઈજાગ્રસ્તોને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. જેમાં અરુણાબેન બારોટ (ઉં.વ.65) નું મોત નીપજ્યું હતું.જ્યારે માનાજી બારોટને બંને પગના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. જેને લઇને તેમના સગા-સંબંધીઓને ફોન કરતા તેઓ પણ તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને ધાનેરા પોલીસ મથકે અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી ધાનેરા પોલીસે આ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને પીએમ કરાવી લાશને પરિવારજનોને સોંપી હતી.