વઢવાણ:સુરેન્દ્રનગર-વઢવાણ, રતનપર અને જોરાવનગર શહેરોમાં બનતા વિવિધ બનાવના ડિટેક્શનમાં તથા ટ્રાફિક નિયમન માટે સરકારે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. શહેરના 51 સ્થળે લાગેલા 257 કેમેરાનું મોનીટરીંગ કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી થાય છે. જેમાં ટ્રાફિકના ભંગ બદલ વાહન માલિકોને ઈ-મેમા ફટકારવામાં આવે છે. ત્યારે વાહનમાલિકો ઈ-મેમા ન ભરતા હોય તેવી સામે આવ્યુ છે.આથી જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે આવા આળસુ વાહનમાલિકો સામે લાલ આંખ કરી છે. કમાન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ વીરેન કુમખાણીયાના જણાવાયા મુજબ, હવે ઈ-મેમો નહીં ભરનાર વાહનમાલિક રસ્તા પર સીસીટીવીમાં નજરે પડશે તો આગળના પોઈન્ટ પરના પોલીસ કર્મીને જાણ કરાશે અને તે વાહનચાલકને ઉભો રાખી સ્થળ પર જ બાકી દંડ વસૂલ કરશે. ટ્રાફિક પોલીસ વાહનમાલિકના ઘરે જઈને પણ દંડ વસૂલ કરશે. જયારે આરટીઓ કચેરીએ વાહન કોઈ કામથી જાય તો પણ પહેલા ઈ-મેમાનો બાકી દંડ વસુલાશે. બીજી તરફ આગામી લોક અદાલતમાં પણ ઈ-મેમાના દંડ ભરવા જાહેર અપીલ કરાઈ છે.