ડીસા તાલુકાના ભીલડી ગામે બજારમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. બનાવને પગલે ગ્રામ પંચાયતનું પાણીનું ટેન્કર લાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડીસા તાલુકાના ભીલડી ગામે બજારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સાંજના સમયે હાઇવે વિસ્તારમાં ઓવર બ્રિજ પાસે એક કાર પાર્ક કરી લીધી હતી. તે સમયે અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને જોતજોતામાં કારમાં ભભૂકી ઊઠેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ભરબજારમાં કારમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ બનાવની જાણ થતા જ ગ્રામ પંચાયતનું પાણીનું ટેન્કર તરત જ બનાવસ્થળે પહોંચ્યું હતું અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કાર પાર્ક કરેલી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આગ બુજાય ત્યાં સુધીમાં તો કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી જેથી કાર માલિકને મોટું નુકશાન થયું હતું.