સુડવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતા યુવાને 4 શખ્સો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતાં જેની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા યુવાને એસીડ પી લેતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને 4 શખ્સો સામે બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વઢવાણ સુડવેલ વિસ્તારમાં રહેતા રહિમભાઇ સીકુરભાઇ પઠાણ ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રહિમભાઇને આર્થિક જરૂરિયાત ઉભી થતાં છેલ્લા દોઢ વર્ષમાં અલગ અલગ 4 શખ્સો પાસેથી 20 ટકા અને તેથી વધુ ઉંચા વ્યાજે કુલ રૂા.3.75 લાખ વ્યાજે લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે ઇમ્તીયાઝભાઇ દિવાન, જાઇદ હાસમશા દિવાન, ઘનશ્યામસિંહ મોરી અને ટુકી મહેબુબાઇ ચારેય શખ્સો રૂપિયાની ઉઘરાણી મામલે અવારનવાર રહિમભાઇના ઘરે જઇ આપી માનસિક ત્રાસ આપી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતાં.આથી ચારેય શખ્સોના ત્રાસથી કંટાળી એસીડની બોટલ લઇ ભોગાવો નદીનાં કાંઠે જઇ એસીડ પી લેતા બેભાન થઇ ગયાં હતાં ત્યાર બાદ આ અંગે પરિવારજનોને જાણ થતાં રહિમભાઇને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં.આ બનાવ અંગે ભોગ બનનારે ચારેય શખ્સો વિરૂધ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા બિ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.