ઉત્તર ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠાના ડીસા ખાતે રોટરી કલબ દ્વારા સર્વ ધર્મ સમભાવ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસા શહેરના હિન્દુ-મુસ્લીમ, રાજકીય, સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

ડીસા શહેરમાં છેલ્લા 54 વર્ષથી નવા વર્ષના પ્રથમ દિવસે સર્વ ધર્મ સમભાવ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં એક માત્ર ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા બેસતા વર્ષના દિવસે સવારે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમમાં શહેરના રાજકીય, સામાજિક, ધાર્મિક સહિત હિન્દુ-મુસ્લીમ આગેવાનો પણ ઉપસ્થિત રહે છે અને એકબીજાને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. નવા વર્ષમાં બધાએ સાથે મળી એકબીજાને સહકાર આપી શહેર અને દેશની પ્રગતિમાં સહભાગી બનવા માટે પ્રયાસો કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

બનાસકાંઠાના ડીસામાં દર વર્ષે ડીસાની પ્રાથમિક શાળા ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અનોખો સ્નેહમિલન કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં ડીસામાં વસતા તમામ આગેવાનો તેમજ ડીસાના વતની અને બહાર ધંધા અર્થે ગયેલા તે પણ આ દિવસે અચૂક હાજર રહે છે. આ તમામ લોકો આખા વર્ષ દરમિયાન જે પણ ભૂલચૂક થઈ હોય તે તમામ ભૂલી એક નવા વર્ષની શરૂઆત કરે છે. આ શાળામાં તમામ હિન્દુ-મુસ્લીમ સહિતના આગેવાનોએ એકબીજાને મો મીઠું કરાવી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

આ અંગે રોટરી ક્લબના પ્રમુખ ડૉ. ડીકેશ ગોહીલ અને મુસ્લીમ સમાજના અગ્રણી તારીક સોલંકીએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર હિન્દુઓનો મોટો તહેવાર માનવામાં આવે છે અને હિન્દુ પરિવાર ધામધૂમપૂર્વક આ દિવાળી પર્વની ઉજવણી કરે છે. બેસતા વર્ષના દિવસે ઉત્તર ગુજરાતના ડીસામાં રોટરી ક્લબ દ્વારા દર વર્ષે સ્નેહમિલન કાર્યક્રમ યોજાય છે. જેમાં તમામ લોકો નાત જાતનો ભેદભાવ ભૂલી ભાઇચારાની ભાવના જળવાઇ રહે.