કાળી ચૌદસ તો ઠીક પરંતુ સામાન્ય દિવસે પણ રાત્રિના સમયે સ્મશાન ખાલીખમ હોય છે અને ત્યાં જતા ભલભલા વ્યક્તિઓ પગ માંડતા પણ ડરતા હોય છે. ક્યારેક કાળી ચૌદશની રાત્રીએ સ્મશાનમાં તાંત્રિક વિધિઓ થતી હોવાનું લોકો માનતા હોય છે, પરંતુ બનાસકાંઠાના ડીસામાં એક સ્મશાનમાં અનેક લોકો પિતૃઓની યાદમાં પરિવારમાં શાંતિ અને ધંધામાં પ્રગતિ માટે અનોખી પૂજા કરી હતી.

ડીસામાં આવેલું સ્મશાન ગૃહ આમ તો રોજ રાત્રિના સમયે ખાલી ખમ હોય છે, પરંતુ કાળી ચૌદસની કાલ રાત્રે અહીં ચહલ પહલ વધી જાય છે. રાત્રે 12 વાગતા જ ભુવાઓ અને તાંત્રિકોની પૂજા અર્ચના શરૂ થઈ જાય છે. ડીસાના સ્મશાન ગ્રુપમાં માત્ર સુખ શાંતિ અને લોક કલ્યાણ માટે પૂજા કરવામાં આવે છે. અહીં મસાણીયા વીરનું મંદિર આવેલું છે અને શ્રદ્ધાળુઓ અને પૂજારીઓ અહીં કાળી ચૌદસની રાત્રે મદિરા સહિતની સામગ્રીઓ અર્પણ કરી પ્રાર્થના કરે છે.

ડીસાના સ્મશાનમાં કાળી ચૌદશની રાત્રે છેલ્લા 22 વર્ષથી 20થી 25 લોકો રાત્રિના 12 વાગ્યા બાદ સ્મશાનમાં જઈ ઘરમાં સુખ શાંતિ રહે પિતૃઓની યાદ માટે અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તે માટે હવન કરે છે અને પવિત્ર સાધના કરે છે.

સ્મશાનમાં હવન કરાવનાર ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, અહીં આવનારા લોકો પણ ઘરમાં સુખ શાંતિ રહે તે માટે હવનમાં આહુતિ આપી મનની શાંતિ મેળવતા હોય છે. ભૂત પ્રેતની નહીં પરંતુ પવિત્ર સાધના થકી આવનારું આખું વર્ષ ધંધા રોજગારમાં પણ ફાયદો થાય પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે કાળી ચૌદસની રાત્રે પવિત્ર પૂજા કરાય છે. અમુક લોકો કાળી ચૌદસને લઈ ગેર માન્યતાઓમાં હોય છે.

ડીસામાં આવેલા સ્મશાન ગૃહમાં આવતા સાધકો અને શ્રદ્ધાળુઓ માત્રને માત્ર પવિત્ર સાધના થકી મન અને પરિવારની શાંતિ મેળવી રહ્યા છે. ત્યારે લોકો પણ આ બાબતે તેમના મનમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરી વાસ્તવિકતાને સમજવી જોઈએ.