ડીસામાં વિશ્વકર્મા મંદિર પાસે આવેલા એક ઓટો ગેરેજમાં રીપેરીંગ માટે મુકેલી કારમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક બનાવતા પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ડીસામાં શિવનગર પાસે રહેતા દિપકસિંહ રાજપૂતે તેમની કારને રીપેરીંગ માટે વિશ્વકર્મા મંદિર પાસે આવેલા રાધે ઓટો ગેરેજમાં મૂકી હતી. તેમજ આજે પડતર દિવસ હોવાથી ગેરેજ બંધ હતી. તે સમયે મોડી સાંજે આકસ્મિક કારમાં આગ લાગી ગઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કારમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ડીસા શહેર મામલતદાર અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જેથી કાર માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.
 
  
  
  
   
   
   
  