ઠાસરા ટીચર્સ મંડળીમાં જેમની સામે ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા તેઓ પાસે જ મંડળીનો કારોબાર
ઠાસરા ટીચર્સ મંડળીમાં બિલાડીને જ દૂધ સાચવવા આપ્યું હોવાનો ઘાટ
જીલ્લા કક્ષા નાં અધિકારીઓ ની રહેમ નજર હેઠળ ચાલતું હતું કૌભાંડ?
- એક સભાસદે જિલ્લા રજિસ્ટ્રાર ને લેખિત ફરિયાદ કરીને ચારેય આક્ષેપિત સભ્યોને દૂર કરવાની માંગ કરી
- પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ફોડવામાં આવે તેવા ગંભીર આક્ષેપો
ઠાસરા તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળીમાં કરોડોની ગેરરીતિનાં ગંભીર આક્ષેપો બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે જેઓની સામે ગેરરીતિના આક્ષેપો થયા છે તે સમયની કારોબારીના સભ્યો હાલમાં નવી કારોબારીમાં પણ હોદ્દાઓ ભોગવીને મંડળીનો કારોબાર કરી રહ્યા હોવાથી બિલાડીને જ દૂધ સાચવવા આપ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
આ બાબતે એક સભાસદ દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર ને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ઠાસરા તાલુકાની ટીચર્સ મંડળીમાં કરોડો રૂપિયાની ગેરરીતિ સામે આવી છે અને તેની તપાસ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આશ્ચર્ય ની વાત એ છે કે ગેરરીતિ દરમ્યાન કારોબારીમાં સામેલ હતા તેવા કારોબારી સભ્યો અત્યારે નવી કારોબારીમાં પણ હોદ્દાઓ સાથે મંડળીનો કારોબાર કરી રહ્યા છે.જેને પગલે ચાલી રહેલી તપાસમાં પુરાવા સાથે છેડછાડ થવાની અને તપાસમાં આડઅસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.કારણ કે ચર્ચાતી વાતો મુજબ તપાસ અધિકારીની આગતા સ્વાગતા કરીને ખુશ રાખવામાં આ ટોળકી માહેર છે.જેને કારણે ન્યાયિક તપાસ થવાને બદલે સમગ્ર ગેરરીતિ પૂર્વ ચેરમેન અને મંત્રીના માથે ઢોળીને અન્ય કારોબારી સભ્યો પોતાને ઈમાનદાર સાબિત કરવાની કવાયત કરતા હોવાની વાતો પણ શિક્ષક આલમમાં ચર્ચાઈ રહી છે.
ત્યારે આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ થાય એટલે આક્ષેપીત કારોબારી સભ્યો ને મંડળીના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. જોકે સામાન્ય રીતે કોઈપણ તપાસ અધિકારી તપાસમાં ખલેલ ના થાય એટલે જેઓની સામે આક્ષેપ હોય તેઓને દૂર કરી દેતા હોય છે પણ આગતા સ્વાગતા ને કારણે આ પ્રકારની કાર્યવાહી કરવાને બદલે કેટલા જૂના કારોબારી સભ્યોને બચાવી લેવાની વેતરણ કરવામાં આવી રહી હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે.ત્યારે આ મામલે ખેડા જિલ્લા કલેકટર દ્વારા જેમની સામે તપાસ ચાલી રહી છે તેવા જૂના કારોબારી સભ્યોને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તો તપાસને પ્રભાવિત થતાં અટકાવી શકાય તેમ હોવાની વાતો પણ જોવા મળી રહી છે.