સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી આઈપીએસ ઓફિસર બનીને રોફ જમાવતા ઈસમને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ પેટ્રોલની સિરિયલ જોઈને પોલીસ બનાવનો શોખ જાગ્યો હતો. જેને લઇ યુવક નકલી IPS અધિકારીની વર્દી પહેરીને રોફ જમાવતો હતો. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની તપાસ કરતા તે ધોરણ 10 પાસ છે. સુરતમાં તે કાપડના કારખાનામાં સિલાઈનું કામ કરતો હતો.
સુરતના ઉધના વિસ્તારમાંથી એક નકલી આઇપીએસ અધિકારી ઝડપાયો છે. આ ઝડપાયેલા શખસ પાસેથી આઇપીએસ ઓફિસરની સ્ટાર વાળી વર્દી, વોકીટૉકી અને કોન્સ્ટેબલની ટોપી મળી આવી હતી. ખરેખરમાં, સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં થયેલા એક અકસ્માતના સિલસિલામાં ઉધના પોલીસની ટીમ ત્યાં ફૂટેજ જોવા પહોંચી હતી. ત્યારે ત્યાંથી ઉધના પોલીસે નકલી IPSને ઝડપ્યો હતો. પોલીસે પકડી પડેલ શખસ મૂળ બિહારનો વતની છે અને ભાઠેના વિસ્તારમાં સિલાઇનું કામ કરતો હતો. તેનુ નામ મોહમંદ શરમન છે અને તે માત્ર 10મું પાસ છે. તેને પોલીસ બનવાનો શોખ હતો, જેના કારણે તેને નકલી આઇપીએસ ઓફિસરનો વેશ ધારણ કર્યો હતો.
આરોપી મોહમંદ શરમન છેલ્લા કેટલાક દિવસથી અમસ્તો જ ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે ઊભો રહીને વાહન ચેકિંગ કરવાનો ડોળ કરતો હતો. ઉધના પોલીસની ટીમ ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે જ્યારે પેટ્રોલિંગ કરવા પહોંચી હતી. ત્યાં થયેલા એક અકસ્માતના ફૂટેજ પણ ચકાસવાનો પ્રયાસ કરતી હતી. દરમિયાન ત્રણ રસ્તા પાસે જ પોલીસનો યૂનિફોર્મ પહેરીને ઊભા રહેલા વ્યક્તિને જોઇ હતી. પ્રોબેશનરી આઇ.પી.એસ. લગાવે છે, તેવા ત્રણ સ્ટાર તેના યૂનિફોર્મ ઉપર ચમકતા હતા. જેથી પહેલા તેને જોઈ સ્થાનિક પોલીસનો માણસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો.
જોકે, પોલીસે ધ્યાનથી જોઈ તપાસ કરતા રસ્તા પોલીસના ડ્રેસમાં યુવક હાથમાં બેગ લઇને ઉભો હતો અને માથે ટોપી કૉન્સ્ટેબલ પહેરે તેવી પહેરી હતી. એટલું જ નહીં તેના ચહેરા ઉપર દાઢી પણ વધેલી હોવાથી પોલીસને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. આ પછી પોલીસે નકલી આઇપીએસ અધિકારીને ક્યાં નોકરી કરો છો, તેવું પૂછતાં જ તે ગેંગે ફેંફે થઇ ગયો હતો. પોલીસે આઇકાર્ડની માંગણી કરતાં આધાર કાર્ડ આપ્યું હતું. જેને લઇ ઉધના પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અસલી પોલીસે નકલી પોલીસને અટકાયતમાં લઇ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસે આરોપી અંગે જણાવ્યું હતું કે, પકડાયેલ નકલી IPSની વધુ પૂછપરછ કરતાં તેને પોતાનું નામ મોહંમદ શરમઝ હોવાનું જણાવ્યું હતું. તેણે ટીવી પર ક્રાઇમ શોની સિરિયલો જોઈ પોતાને પોલીસ બનવાનું સપનું જાગ્યું હતું. ત્યારે તેના સપનાનો શોખ પૂરો કરવા નકલી આઇપીએસ અધિકારી બની ગયો હતો. આરોપીએ IPSનો યૂનિફોર્મ ઓનલાઈન મંગાવ્યો હતો અને તે પહેરીને રસ્તા પર ઊભો રહી લોકોમાં રોફ જમાવતો હતો.