ભારત દેશમાં અને ગુજરાતમાં આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના ઘરે જઈને રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવતી હોય છે. એવામાં જે બહેનોના ભાઈ દૂર રહેતા હોય, ત્યાં પહોંચવા માટે બહેનોને બસમાં મુસાફરી કરવી પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ કમિટીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અંતર્ગત રક્ષાબંધનના એક દિવસ પૂરતો તમામ મહિલાઓ 10 વર્ષથી નાના બાળકો સાથે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (AMTS)ની બસોમાં મફતમાં મુસાફરી કરી શકશે.

મહત્વનું છે કે, અગાઉ રક્ષાબંધનના પર્વ માટે અડધી ટિકિટની જાહેરાત કરાઈ હતી. જ્યારે અંતે AMC દ્વારા આ નિર્ણય બદલી રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, અગાઉ રાજકોટ અને સુરતમાં પણ સિટી બસમાં રક્ષાબંધનના પર્વે મહિલાઓને ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જે પૈકી સુરતમાં 11 ઓગસ્ટે માતાઓ બહેનો તેમજ 15 વર્ષ સુધીના બાળકો આખા દિવસ દરમિયાન સિટી બસ અને બીઆરટીએસની બસમાં વિના મૂલ્યે મુસાફરી માણી શકશે. આજ રીતે રાજકોટની સિટી બસોમાં પણ મહિલાઓ રક્ષાબંધનના દિવસે શહેરના કોઈ પણ રૂટ પર મફત મુસાફરી કરી શકશે.