સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રિય એકતા દિવસને મજબુત કરવા માટે "રાષ્ટ્રિય એકતા રન " યોજાઈ

પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઇન્ટ બ્રીજની નીચે સરગમ શોપિંગ અને પરત ગ્રાઉન્ડ સુધી ત્રણ કિલો મીટર ‘‘રાષ્ટ્રિય એકતા રન’’ યોજાઈ

ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ ૩૧મી ઓકટોબરે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરત સુરત સિટી પોલીસ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ‘‘રાષ્ટ્રિય એકતા રન’’ દોડ યોજાઈ હતી. આ રેલીને સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, ડે. મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, દંડક ધર્મેશ વાણિયાવાળા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

              સૂરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલી 'રાષ્ટ્રિય એકતા રન'માં પોલીસ જવાનો, નહેરૂ યુવા કેન્દ્રના યુવાઓ, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિત ૩ હજારથી વધુ લોકો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઇન્ટ બ્રીજની નીચે સરગમ શોપિંગ સેન્ટર સુધી અને ત્યાંથી પરત ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કેમ્પસ સુધી ૩ કિ.મી. યોજાઈ હતી. પોલીસ કર્મીઓ બેનરો સાથે સાઈબર સેફ સુરત, નો ડ્રગ્સ ઈન સુરત જેવા સ્લોગનો સાથે રેલીમાં જોડાયા હતા. રેલીમાં પોલીસ કમિશનર, સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ જોડાયા હતા.

           કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ અવસરે અધિક પોલીસ કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.