થરાદ-સાંચોર હાઈવે ઉપર મિયાલ ગામ નજીક ટ્રક ચાલકે કારને સામેથી ટક્કર મારતાં વાવના સણવાલના સરપંચ સહિત બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જેમાં ટ્રક ચાલકની બેદરકારી કારણે કારને ટક્કર મારતાં કારનો આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. કારમાં સવાર કુલ ત્રણ પૈકી એક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

થરાદ-સાંચોર હાઇવે પર ગુરૂવારની રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે એક કાર અને ટ્રક વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં મિયાલ ગામની સીમમાં સામેથી આવી રહેલા એક ટ્રેલરના ચાલકે વાવ તાલુકાના સણવાલ ગામના સરપંચની કારને ધડાકાભેર ટક્કર મારતાં કારમાં બેઠેલ ત્રણ પૈકી સરપંચ ધરમાભાઇ ઉર્ફે ધર્મેશ રાહાભાઇ રબારી (ઉં.વ.આ.46) તથા થરાદના ભીમપુરાના અરજણભાઇ સેધાભાઇ રબારી (ઉં.વ.આ.47) આમ બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

જ્યારે કારમાં સવાર ભીમપુરાના દલાભાઇ રબારીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તમામ રાત્રિના સુમારે રાજસ્થાન તરફથી થરાદ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થવા પામ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી હતી.