વર્ધાજી બારોટની હત્યા કેસમાં સામેલ આજીવન કેદનો આરોપી વાવ નજીક ટડાવ બાલુત્રી રોડ પર પરથી બાઈક પર પત્ની સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે બોલેરો ગાડીએ ટક્કર મારી નીચે પાડી દઈ પાછળથી આવેલ સ્વિફ્ટ ગાડીના ચાલકે ઉપર ચડાવી બાઈક ચાલક પર આડેધડ બંદૂકની ગોળીઓ મારી તેમજ છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા.
જ્યારે મહિલા ત્યાંથી ખેતરોમાં નાસી છૂટતા તેનો બચાવ થયો હતો. જોકે તેને પણ ઈજાઓ થતા વાવ રેફરલ ખાતે ખસેડાઇ હતી. માવસરી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને વાવ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડી છ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાવ તાલુકાના મીઠાવીરાણા ગામના મફાભાઇ લુભાભાઈ પટેલ અને તેમની પત્ની હરીબેન શુક્રવારે સવારે પોતાના ઘરેથી બાઈક લઇ થરાદ ખાતે સેશન્સ કોર્ટમાં અગાઉના કેસોની તારીખે ગયેલા હતા જ્યાં કોર્ટ નીચે મેદાનમાંથી એક યુવક લાલ રંગના બાઈક પર તેમનો પીછો કરતો કરતો પાછળ આવતો હતો.
જેથી મફાભાઈએ પોતાનું બાઈક વાવ તરફ થઈ સપ્રેડા ટડાવ થઈ સાડાચાર વાગ્યાના સમયે ટડાવ બાલુત્રી રોડ પરથી પસાર થતા સફેદ કલરની બોલેરો ગાડીએ બાઈકને ટક્કર મારતાં બાઈક પર પાછળ બેઠેલા હરીબેંન રોડની સાઈડે પડી ગયા ને મફાભાઇ પોતાનું બાઈક ભગાડતા ફરીથી ટક્કર મારી નીચે પાડી પાછળથી આવતી સ્વિફ્ટ ગાડી ચાલકે તેમના પર ચડાવી દઈ બોલેરોમાંથી દશરથભાઈ બારોટ તેમજ સ્વિફ્ટ ગાડીમાંથી ભગીરથભાઈ બારોટ અને તેનો ભાઈ પીન્ટુ ઉર્ફે ભરતભાઈ બારોટ (ત્રણેય રહે. સણવાલ) નીચે ઉતરી મફાભાઈ ઉપર બંદૂકથી આડેધડ ગોળીઓ મારી તેમજ છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી સ્વિફ્ટ ગાડી મૂકી નાસી છૂટયા હતા. જેને લઇને મૃતકની પત્ની હરીબેને માવસરી પોલીસ મથકે ભગીરથભાઈ વર્ધાજી બારોટ, પીન્ટુ ઉર્ફે ભરતભાઈ વર્ધાજી બારોટ (રહે. સણવાલ હાલ રહે થરાદ) દશરથભાઈ બાબુલાલ બારોટ (રહે સણવાલ.તા.વાવ) અને ત્રણ અજાણ્યા ઇસમો મળી છ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
વાવ રેફરલ ખાતે શુક્રવારે રાતે પેનલ દ્વારા પી એમ કરવામાં આવ્યું હતું. જેમાં મૃતક મફાભાઈના શરીરમાંથી સાત ગોળીઓ નીકળી હતી. પોલીસે જણાવ્યું કે પંદરથી વધુ રાઉન્ડ ફાયરીંગ થયું હોય મનાઈ રહ્યું છે. હાથ પગ અને છાતીમાં માથામાં ગોળીઓ ધરબી દેવાઈ હતી.
2016 માં સણવાલના વર્ધાજી બારોટની બિન અને દબાણની અદાવતમાં હત્યા કરાઈ હોવાના મામલે માવસરી પોલીસ મથકે 12 સામે ફરીયાદ નોધાઇ હતી અને 2018માં 4 નિર્દોષ, 3 ને ચાર વર્ષની સજા તેમજ 5ને આજીવન સજા કરવામાં આવી હતી જેમાં મૃતક મફાભાઇ પણ આજીવન સજા ભોગવી રહ્યા હતા અને તેની સાથે સણવાલ ગામના તેના સસરા અને સાળા પણ આજીવન સજા ભોગવી રહ્યા હતા.