પાલનપુર-આબુ હાઇવે ઉપર જશપુરીયાના પાટિયા નજીક બાઇક સ્લીપ થઇ જતાં ચાલકનું મોત થયું હતુ. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ સ્થળે સર્વિસ રોડ ઉપરની કાંકરી હટાવવામાં આવી ન હોઇ ટુ - વ્હીલર ચાલકોને સતત અકસ્માતની ભિતી સતાવી રહી છે.

પાલનપુર-આબુ હાઇવે ઉપર જશપુરીયાના પાટીયા નજીક હોટલ પાસે બાઇક નં. આર. જે. 46. એસ. જી. 8900 સ્લિપ થઇ ગયું હતુ. જેના ચાલક રાજસ્થાનના શિરોહી જીલ્લાના રેવદર તાલુકાના પાલડી ખેડાના કપુરરામ કાળારામ માજીરાણાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત થયુ હતુ. કપુરરામ ઉંજા મજુરી અર્થે જતા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અંગે છગનભાઇ કાળારામ માજીરાણાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળ ઉપર ઓવરબ્રિજ અને હાઇવે વચ્ચે તાજેતરમાં પાળી બનાવવામાં આવી છે. જોકે, સર્વિસ રોડ ઉપર માટી- કાંકરીઓ પડી હોવાથી ટુ- વ્હીલર ચાલકોને સતત અકસ્માતની ભિતી સેવાઇ રહી છે.