ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા ફાટક નજીક ગાય વચ્ચે આવતા ડમ્પરચાલકે બ્રેક મારતા ડમ્પર પાછળ આવતી એસ.ટી.બસ ડમ્પરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં બેઠેલા 6 મુસાફરોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ડીસા-પાટણ હાઇવે પર આજે જુનાડીસા ફાટક પાસે ડમ્પર પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ડીસાથી પાટણ તરફ એક બસ જઈ રહી હતી તે સમયે આગળ જઈ રહેલા ડમ્પરચાલકે રસ્તા વચ્ચે ગાય આવતા અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલી પાટણ તરફ જતી એસ.ટી. બસ ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી. જેમાં 6 મુસાફરોને સારવાર અર્થે 108 એમ્બ્યુન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
અકસ્માત થતા આજુબાજુના લોકોના ટોળેટોળે એકત્ર થયા હતા. જ્યારે રસ્તા પર ટ્રાફિકજામ થઈ જતા ડીસા તાલુકા પોલીસ આવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.