ડેરોલગામમાં દશેરાની રઢીયાળી રાત આસ્થાના પ્રતિક ગણાતા માટલીગરબાઓથી ઝગમગી ઉઠી@Virendramehta24 #relig
કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે દશેરા મહાપર્વએ ઉજવાતા પરંપરાગત માટલીગરબા અનેરું અને આગવું મહત્વ ધરાવે છે, ડેરોલગામ ગામની પરંપરા મુજબ દશેરાના દિવસે થતા માટલીગરબા એ ગામની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોવાને કારણે ગામના પાદરે આખું ગામ એક કુંડાળે માટલીગરબા રમવાનો લ્હાવો લેતા જોવા મળે છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર નવરાત્રી ની નવ રાત સુધી પરંપરાગત રીતે ગરબા રમાય છે પરંતુ દશેરા ની રાત્રે માટલી ગરબા રમવાની માનતા ધરાવતા હોય છે જેમા ગ્રામજનો પોતાના કોઈ પણ શુભ પ્રસંગ કે સામાજિક પ્રસંગો નિર્વિઘ્ને પાર પડે એ માટે પોતાની યથાશક્તિથી માતાજીના ચોકમાં દશેરાના દિવસે માટલીના ગરબા ચઢાવવાની માનતા રાખતા હોય છે, જેમાં તેમની માનતા સ્વરૂપે પોતાની યથાશક્તિ મુજબ ૫,૭,૧૧,૨૧,૫૧ અને ૧૦૧ જેટલા રમતા ગરબા ચઢાવવાની આસ્થા રાખતા હોય છે, એ આસ્થા મુજબ દશેરાના દિવસે સમસ્ત ગામમાં મોટાભાગના માનતા ધરાવતા ગામજનો સમી સાંજે જેને ગરબો કહેવાય છે એ માનતા મુજબના છીદ્વોવાળા માટલી ગરબાઓની ફુલહારથી સુશોભિત કરી માટલીમાં વિવિધ ધાન્યો ભરી, માટલીમાં દીપ પ્રગટાવી કળશ મુકીને અને કળશ ઉપર એક દીપ પ્રગટાવી તૈયાર કરી માટલી ગરબાઓની આસ્થા મુજબની માટલીઓ શિર પર ઉપાડી ઘેર- ઘેરથી ગામના ઝાંપે આવેલા માતાજી મંદિરના ચોકમાં રમવા માટે આવે છે અને માતાજીના મંદિરના ચોકમાં સમગ્ર ગામના ભાઈઓ,બહેનો,યુવક યુવતીઓ સાથે મળીને એક હરોળમાં સંગીતના તાલે પરંપરાગત માટલીગરબા રમે છે જે માટલી ગરબાને ગામના માતાજીના મંદિરે રમતા મુકીને પોતાની આસ્થા પુરી કરે છે. ડેરોલગામના પાદરે આવેલા માતાજીના મંદિરે આસ્થા આધારિત એક હરોળમાં જામતા માટલીગરબાઓના દિવડાઓના ઝગમગાટથી ઝળહળી ઉઠે છે ત્યારે આસ્થા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિજયાદશમીની રઢીયાળી રાતે યુવાધન સોળે શણગાર સજી ધજીને સૌ કોઈ એક વૃંદમાં હેતના હિલોળે રમાતા માટલી ગરબાનો ઝગમગાટ ઝળહળી ઉઠે છે. ડેરોલગામના આ પરંપરાગત માટલી ગરબાઓની રોનક અદ્ભુત હોય છે અને માટલી ગરબાના દર્શનનો લાભ લેવા માટે ડેરોલગામ સહિત આસપાસના અનેક ગામોના લોકો પણ ઉપસ્થિત રહે છે.
ડેરોલગામમાં દશેરાની રાત્રે માટલી ગરબા સાથે માતાજીના ચોકમાં દર વર્ષે અલગ અલગ થીમ પર ફુલોથી સજાવેલી રંગોળી પણ આકર્ષણ જમાવે છે, આ વર્ષે માતાજીના શક્તિ પુજન આધારિત 'ચંદ્રયાન ૩ "ની સુંદર થીમ ધરાવતી ફૂલોની રંગોળી વિભૂતિ પટેલે બનાવેલ જેને આકર્ષણ જમાવ્યું હતું