ડીસામાં નવજીવન- સમર્પણ સોસાયટી ખાતે શ્રી શિવ શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા અન્નકૂટનું આયોજન કરાયું હતું. જેમાં માતાજીને ફળફળાદી, ફરસાણ, મીઠાઈ, કોલ્ડ્રીંક્સ સહિત અનેક વાનગીઓનો પ્રસાદ કરી મહાઆરતી કરી હતી.
ડીસામાં નવલી નવરાત્રી હવે અંતિમ પડાવ તરફ જઈ રહી છે. ત્યારે ડીસામાં અલગ અલગ જગ્યાએ નવરાત્રી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવજીવન- સમર્પણ સોસાયટીમાં છેલ્લા 34 વર્ષથી મિત્ર મંડળ દ્વારા ગરબા મહોત્સવ યોજાય છે. જ્યાં આજે અન્નકૂટ ભરી મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના દરેક પરિવાર તરફથી ફળફળાદિ, ફરસાણ, મીઠાઈ, કોલ્ડ્રીંક્સ, આઈસ્ક્રીમ સહિત અનેક વાનગીઓનો માતાજીને ભોગ ધરાવાયો હતો. ત્યાર બાદ મહાઆરતી કરી માતાજીની આરાધના કરી હતી.
આ અંગે શિવ શક્તિ ગ્રુપ મિત્ર મંડળના આગેવાન શૈલેષભાઈ રાજગોરે જણાવ્યું હતું કે, છેલ્લા 34 વર્ષથી તેમની નવજીવન સોસાયટીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીની સ્થાપના કરી ચાચર ચોકને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. તેમજ આજે મહાપ્રસાદ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના તમામ લોકોએ સાથે મળી મહાઆરતી કરી માની આરાધના કરી હતી.