ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘી, તેલ સહિત અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓમાં મોટા પ્રમાણમાં ભેળસેળ અને ડુબલીકેટિંગ કરવામાં આવે છે. તાજેતરમાં જ ચડોતર પાસેથી ફૂડ વિભાગની ટીમે પેકિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખાણ વગરનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યા બાદ ફૂડ વિભાગની ટીમે ડીસા શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં એક સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડના ઘીના સેમ્પલ લઇ 93 ડબ્બા સીલ કર્યા હતા.
બનાસકાંઠા ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી સહિત તેમની ટીમે ખાનગી બાતમીના આધારે ડીસા શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં ઘી બનાવતા જુદા જુદા ત્રણ સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં બે સ્થળો ઉપરથી કંઈ જ મળ્યું ન હતું. જ્યારે શહેરના વ્હાઇટ હાઉસ શોપિંગ સેન્ટરમાં આવેલા ધ્રુવ માર્કેટિંગ નામની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી જુદી જુદી બ્રાન્ડનો શંકાસ્પદ અખાદ્ય ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફુડ વિભાગની ટીમે વાતુલા બ્રાન્ડની ગાયનું ઘી અને પ્રભાત ડેરીના ગાયના ઘીના સેમ્પલ લીધા હતા. તેમજ 200 ગ્રામ ઘીના 93 ડબ્બા સીઝ કર્યા હતા અને આ બંને ઘીના સેમ્પલ ચકાસણી અર્થે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. તેમ ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
અત્યારે તહેવારોના સમયમાં ખાસ કરીને ઘીની માગ ખૂબ જ વધી જતી હોય છે. ત્યારે વધુ માગમાં કેટલાકને લેભાગુ વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં અખાદ્ય ઘીનો જથ્થો ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. ત્યારે ફૂડ વિભાગની ટીમે આજે દરોડા પાડતા અન્ય નકલી ઘીનો કારોબાર કરતા તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો હતો.