(રાહુલ પ્રજાપતિ)

હિંમતનગર ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં શનિવારે સંકલન સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાસંદ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં લોકહિતને લગતા રોડ રસ્તા અને પીવાના પાણીની ઉપલબ્ધ સગવડો અંગે ચર્ચા કરાયા બાદ જિલ્લાના વિવિધ સ્થળે રોજિંદી જરૂરીયાતને ધ્યાનમાં રાખી વિકાસકામોને ગતિ આપવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. 

હિંમતનગર સ્થિત કલેકટર કચેરીના સભાખંડમાં કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સાસંદ ધ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ સરકારી શાળાની જમીનના પ્રશ્ને રજૂઆત કરી હતી. ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ અટલ ભુજલ યોજનાને લગતા પ્રશ્નો પૂછયા હતા અને પાણીના પ્રશ્નોની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા, આરોગ્યના પ્રશ્નો, આયુષ્યમાન કાર્ડ અને તેના લાભાર્થીઓને મળતા લાભ અંગે ચર્ચા કરી હતી.

ખેડબ્રહ્મા ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા વિસ્તારમાં શાળાના ઓરડા અને પાણીના પ્રશ્નો અંગે જન આરોગ્ય કેન્દ્ર અને તબીબોની હાજરીના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ બેઠકમાં જમીન સંપાદન, દબાણ, ટ્રાફિક, ગૌચરની જમીન અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પેન્શન કેસની ગાઇડલાઇન મુજબ નિયત સમયમાં પેન્શન ધારકોને લાભો મળે તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરએ સૂચન કર્યુ હતુ. તેમજ રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સબંધિત અધિકારીઓને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. સાથોસાથ આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળો અંગે ચર્ચા કરાઇ હતી.જેમાં ડેટા એન્ટ્રી, વધુમાં વધુ લોકોને લાભ મળી રહે તે અંગે અનુરોધ કરાયો હતો. સંકલન અને ફરીયાદ સમિતીની યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા, નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત, પ્રાયોજના વહિવટીદાર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા