શ્રી કે.કે.હાઇસ્કુલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ.આર.દવે કન્યા વિદ્યાલય,વેજલપુર ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે ઉગમેશ્વર પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું હતું.આ હોલનું નિર્માણ સમર્પણ ભવન અભિયાન અંતર્ગત માતૃશ્રી કાશીબા ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ,સુરત હેઠળ કરાયું છે.ચાર મહિનાના ટૂંકા સમયમાં આ શાળામાં વિશાળ પ્રાર્થના હોલનું નિર્માણ થતાં વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં આનંદ ફેલાયો હતો.
લોકાર્પણ કાર્યક્રમમાં મહંતશ્રી ગોરધન બાપા,કાશીબા ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના દાતાશ્રી કેશુભાઈ ગોટી,શ્રી હર્ષદભાઈ દેસાઈ,કે.કે.હાઇસ્કૂલના પ્રમુખ સતિષભાઈ શેઠ તથા મંત્રી એડવોકેટ દેવેન્દ્ર મહેતા,ઇન્ચાર્જ શિક્ષણાધિકારી જે.કે.પરમાર,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,રશ્મિકાબેન પટેલ,જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પી.ડી.સોલંકી,ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડૉ.અજયભાઈ સોની,આચાર્ય હર્ષાબેન પંચાલ,પૂર્વ જિલ્લા સહિત વિવિધ હોદ્દેદારો,મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કે.કે.હાઇસ્કૂલના મંત્રી દેવેન્દ્ર મહેતાએ તમામને આવકારતા આ શાળા વિશે વિગતવાર માહિતી આપી હતી.જેમાં કે.કે.હાઇસ્કુલ હેઠળ કુલ ચાર શાળાઓ આવેલી છે, અહીં ૧૩૦૦ બાળકો અભ્યાસ કરે છે અને સરેરાશ ૮૦ ટકા સુધીનું પરિણામ જળવાઈ રહે છે.
આ તકે શાળાના બાળકો દ્વારા દેશભક્તિની શૌર્યગાથાઓ પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.આ સાથે પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં શહીદ થયેલા વીર જવાનને યાદ કરીને વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય ગાથા રજુ કરાઇ હતી. જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ પણ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેમણે શિક્ષણની સાથે દાયિત્વ,સંસ્કાર અને રાષ્ટ્રભાવના અંગે વાત કરી હતી. માતૃશ્રી કાશીબા ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના દાતાશ્રી કેશુભાઈ ગોટી દ્વારા જણાવ્યું હતું કે તેઓની સંસ્થા દ્વારા દેશભરમાં આંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં સરસ્વતી ધામનું નિર્માણ કરવામાં આવે છે જ્યાં ગરીબ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક અભ્યાસ કરી શકે તે માટેના પ્રયાસો કરીએ છીએ.અત્યારસુધી તેમણે દેશભરમાં ૨૬૦ જેટલા અભ્યાસના ભવનો બનાવ્યા છે. તેમણે એકાગ્રતા,રાષ્ટ્રવાદ અને ફરજ નિષ્ઠા અંગે માર્ગદર્શન આપ્યું હતું.ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પ્રો.અજયભાઈ સોની દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું.શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ કરાઈ હતી.