ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં શિક્ષકો સહિત 2000થી પણ વધુ વિદ્યાર્થીઓએ એક સાથે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇ અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમ્યા હતા.

ડીસામાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં એક દિવસીય નવરાત્રી પર્વ ઉજવણીનું આયોજન થયું હતું. સ્ત્રી સશક્તિકરણ અને દુર્ગા પૂજન કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ નવ બાલિકાઓનું અન્ય નવ બાલિકાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માતાજીની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નવ શણગારેલી આરતી દ્વારા સંસ્કાર મંડળના ટ્રસ્ટીઓ, ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓએ સામુહિક આરતી કરી હતી.

ત્યારબાદ સંગીત શિક્ષક કિર્તીભાઈ અનાવાડીયા અને રેખાબેન પરમારે માતાજીના ગરબાના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. બે તાલી, ત્રણ તાલી, હીંચ, ટીમલી તેમજ રાસ-ગરબાથી વાતાવરણ પ્રફૂલિત થયું હતુ. આ ગરબા મહોત્સવમાં શાળાના શિક્ષકો સહિત 2 હજારથી પણ વધુ વિધાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા. વિશાળ મેદાનમાં એક સાથે 2 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરંપરાગત રંગબેરંગી પોશાકમાં અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમી માતાજીની આરાધનાની સાથે સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી.