અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે ડીસાની પોલીસ લાઈન ખાતે અક્ષત કળશ પૂજા કાર્યક્રમ અંતર્ગત મહાઆરતી યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મીઓએ ભગવાન શ્રી રામની આરતી કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવને લઇ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

 ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી સમગ્ર દેશના શહેર અને ગામડે અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા પહોચાડવામાં આવી રહી છે. ડીસા પોલીસ લાઈન ખાતે પણ આજે અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કર્યા બાદ મહાઆરતી યોજાઇ હતી.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા સહિત શહેર અને ડીસા તાલુકા પી. આઇ. એસ.એમ. પટણી સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી અને બનાસકાંઠા જિલ્લામાં પણ સુખ શાંતિ રહે તેમજ વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ આગામી 12 જાન્યુઆરીથી શરૂ થનાર ભગવાન શ્રીરામ મંદિરના પુનઃપ્રાપ્તિષ્ઠા મહોત્સવ દરમિયાન દરેક ઘરે તેની ઉજવણી થાય તે માટે લોકોને અપીલ પણ કરી હતી.