ડીસા-પાટણ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જુનાડીસા પાસે રીક્ષાચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં મુસાફરને ગંભીર ઈજા પહોંચતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ડીસા-પાટણ હાઈવે પર ગત મોડી રાત્રે રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષાચાલક મુસાફરને લઈ ડીસાથી જુનાડીસા તરફ જઈ રહ્યો હતો અને ગંગાજી વ્હોળા પાસેથી આ રીક્ષા પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં પાછળ બેઠેલા 50 વર્ષીય મુસાફર લાલાભાઇ છગનભાઈ ઠાકોરને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માત બાદ રિક્ષાચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્ત મુસાફરને રીક્ષામાંથી બહાર નીકાળ્યો હતો. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.