(રાહુલ પ્રજાપતિ):

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રિના ત્રીજા નોરતે એટલે કે મંગળવારે રાત્રે ખેલૈયાઓએ અવનવા વસ્ત્રો ધારણ કરીને તેમજ કેટલાકે ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાચોકમાં સમૂહમાં અથવા તો એકલદોકલ ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરવામાં એટલા વ્યસ્ત બની ગયા હતા કે સમયનું પણ ભાન રહ્યું ન હતુ. કેટલાક ખેલૈયાઓએ અગાઉ ગરબા ક્લાસીસ તથા સોશ્યલ મિડીયાના માધ્યમથી જોયેલા પ્રાચિન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. જે જોઈને ગરબાચોકની બહાર ઉભેલા શ્રધ્ધાળુઓ પણ એક તબક્કે બોલી ઉઠયા હતા કે ર૧ મી સદીમાં હજુ પણ ગુજરાતનો ગરબો(માતાજી) જીવંત છે.