શામળાજી ખાતે અમાસ પર સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો.

ગાયત્રી પરિવાર દ્વારા નિ:શુલ્ક કાર્યક્રમમાં બસોથી વધુ લોકોએ પિતૃઓનું તર્પણ કર્યું. 

ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈ શરીર હોય ત્યાં સુધી અનેક સંસ્કાર પરંપરા ચાલી રહેલ છે. પરંતુ માનવીના મૃત્યુ પછી તેને સ્વજનો દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવા શ્રાદ્ધ તર્પણનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં દરેક પોતાના અવસાન પામેલ સ્વજનોને યાદ કરી શ્રાદ્ધ તર્પણ કરતાં હોય છે. શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તિથિ મુજબ શ્રાદ્ધ-તર્પણ કરવામાં આવે છે. પરંતુ અમાવસ્યા પર તમામ પિતૃઓને તર્પણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર તર્પણ માટે વિષ્ણુ ભગવાનનું તીર્થ ધામ શામળાજી મહત્વનું સ્થાન ગણાય છે. ગાયત્રી શક્તિપીઠ- શામળાજી દ્વારા અમાસના દિવસે શનિવારે નિ: શુલ્ક સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમનું સામુહિક આયોજન શામળાજી ખાતે કરવામાં આવ્યું . જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી બસોથી વધુ લોકો આ નિ: શુલ્ક શ્રાદ્ધ તર્પણનો લાભ લેવા પૂજામાં જોડાયા. મેશ્વો નદીના કિનારે ગાયત્રી શક્તિપીઠ- શામળાજી ખાતે પ્રસિદ્ધ કથાકાર અમૃતભાઈ પટેલે સંગીતમય શૈલીમાં ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ તર્પણ કાર્યક્રમનું સંચાલન કર્યું. સૌએ યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી. કાર્યક્રમના સમાપનમાં સૌએ પોતાના જીવનને કુરિવાજોથી બચાવી વ્યસનમુક્ત શ્રેષ્ઠ માર્ગ પર ચલાવવા સંકલ્પ લીધા. છેલ્લે સૌને માટે ગાયત્રી શક્તિપીઠ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી