(રાહુલ પ્રજાપતિ)
સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ હેતુ ગ્રામ વિકાસ વિભાગ ધ્વારા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતીમાં સોમવારે સાત દિવસીય નવરાત્રી મેળાનો પ્રારંભ કરાયો હતો.
આ મેળાના પ્રારંભે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી. ડી.ઝાલાના વરદ હસ્તે સાત દિવસીય નવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો. રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જુથો ધ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ-વસ્તુઓને માર્કેટીંગ પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી નવરાત્રી પર્વને ધ્યાને રાખી તા.૯ થી તા.૧૫ ઓકટોબર સુધી જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં જિલ્લાના વિવિધ તાલુકાના કુલ ૧૩ સ્વ સહાય જુથોએ ભાગ લીધેલ છે. જેમાં આ સ્વ સહાય જુથો ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ જેવી કે ચણીયા ચોળી, ઇમીટેશન જ્વેલરી, ઓક્સોડાઇઝ જ્વેલરી, હેંડમેડ જ્વેલરી, હેંડ બેગ, હેંડ પર્સ, જુલા તેમજ નવરાત્રીને અનુરુપ ચીજ-વસ્તુઓનુ વેચાણ કરવામાં આવશે. નવરાત્રી મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઇ ઉપાધ્યાય, તાલુકા પંચાયત- પ્રમુખ ભુમિકાબેન, મહિલા અગ્રણી કુ.કૌશલ્યા કુવરબા, તાલુકા વિકાસ અધિકારી પિયુષ સિસોદીયા હાજર રહ્યા હતા.