ડીસા એપીએમસીમાં ચોમાસુ મગફળીની આવક પૂરજોશમાં ચાલુ થઈ છે. શુક્રવારે એક જ દિવસમાં 65 હજારથી વધુ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ મણ મગફળીનો ભાવ 1200 થી 1585 રૂપિયા પાડ્યો હતો. આમ ચાલુ વર્ષે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ડીસા પંથકના ખેડૂતો હવે ઉનાળુ બાદ ચોમાસું સિઝનમાં પણ મગફળીના વાવેતર તરફ વધી રહ્યાં છે. ચાલુ વર્ષે સારો વરસાદ થતાં મગફળીનો પાક સારો થતાં ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે. ખેડૂતોને મગફળીના વાવેતરથી પશુઓ માટે ઘાસચારો પણ પુરતાં પ્રમાણમાં મળી રહે છે. ડીસા એપીએમસીમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીની આવક શરૂ થઇ છે. શુક્રવારે ડીસામાં એક જ દિવસમાં 65 હજાર બોરી જેટલી રેકોર્ડ બ્રેક મગફળીની આવક નોંધાઈ હતી તેમજ મગફળીનો પ્રતિમણનો ભાવ 1200 થી 1585 રૂપિયા નોંધાયો હતો. હાલમાં ખેડૂતો મગફળી લેવાની કામગીરીમાં રાત-દિવસ જોતરાયા છે. આથી આગામી દિવસોમાં ડીસા એપીએમસીમાં એક જ દિવસમાં એક લાખ બોરીને પાર થઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ અને અનુકુળ વાતાવરણના કારણે ખેડૂતોએ 148636 હેક્ટર જમીનમાં અને ડીસા તાલુકામાં 37227 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયેલ છે. જેમાં સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા તાલુકામાં થતાં ડીસા એપીએમસીમાં આવક પણ વધી રહી છે.