ડીસા તાલુકાના રામપુરા ગામે દબાણ હટાવવા ગયેલા સરપંચના ભાઈ પર દબાણદારોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી હુમલો કરનાર ચાર દબાણદારો સામે ફરિયાદ નોંધાતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના રામપુરા ગામે છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં સરપંચ સહિતની ટીમ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દબાણની જગ્યાઓ ખુલ્લી કરાવી ગામના વિકાસ માટેના પ્રયાસો કરી રહ્યા છે. તે દરમિયાન હાઇવે વિસ્તારમાં પણ વર્ષોથી સરકારી જમીન થયેલા ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. જો કે તે સમયે અચાનક મધ ઉડીને સરપંચ સહિત કેટલાક લોકોને કરડતા સારવાર માટે હોસ્પિટલ ગયા હતા અને દબાણ હટાવવાની કામગીરી સ્થગિત રખાઈ હતી.

બાદમાં મોડી રાત્રે ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં દબાણદાર નગીનભાઈ જાટે સરપંચના ભાઈ હમીરભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. તેમજ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને આજુબાજુમાંથી નવીનભાઈના સંબંધીઓ પણ દોડી આવી લોખંડની પાઇપ અને લાકડી પડે સરપંચના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે જેસીબીના ચાલક સહિત અન્ય લોકોએ દોડી આવી હમીરભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે હુમલો કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે સરપંચ ગણપતભાઈ ભીલડીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. તે દરમિયાન અમે હાઇવે પર આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરી રહ્યા હતા. તે સમયે દબાણ કરનાર નવીનભાઈ જાટે મારા ભાઈ ઉપર અત્યારે હુમલો કર્યો હતો. જેમાં મારા ભાઈને ડાબા હાથના ભાગે ફ્રેક્ચર થતા ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે હુમલો કરનારા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.