ઈન્ડિયન ક્રિકેટટીમનો પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ બનાવી રહ્યોછે અનેક ‘મુનાફ’
‘‘ મુન્ના, મુન્ના, મુન્ના ’’ આ નામની ચિચિયારીઓ ભરૂચ અને વડોદરા ડિસ્ટ્રીક્ટના દરેક ક્રિકેટના મેદાનોમાં ખૂબ ગુંજતી હતી અને આ નામ બાદમાં ઈન્ટરનેશન લેવલે ગુંજવા માંડ્યું. ત્યાં સુધી કે વર્ષ 2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો પણ તેને ‘અજ્ઞાત યોદ્ધા’ લેખાવાયો હતો. હવે આ યોદ્ધા તેની જેવા જ યોદ્ધાઓની ફૌજ તૈયાર કરવા જી-જાનથી મંડી પડ્યો છે. આ ‘મુન્નો’ છે ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા ફાસ્ટ બોલર મુનાફ પટેલ.
હાઈએસ્ટ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી ભલભલા બેસ્ટમેનને કંપાવનાર મુનાફ પટેલ નિવૃત્તિ બાદ બેસી રહેવાને બદલે તેમના જેવી જ ‘પ્રતિભા’ શોધીને તેને વિકસાવવાનું કામ બરોડા ક્રિકેટ એસોસિયેશનના મેદાન પર ભારે ખંત સાથે કરી રહ્યાં છે. જેમની આ મહેનત આવનારા સમયમાં ભારતીય ક્રિકેટને મુનાફ જેવા બીજા અન્ય ફાસ્ટ બોલર આપી શકે છે.